Gulabdas broker biography template
નવીન શું છે
સવિશેષ પરિચય: ફોટો: ગુલાબદાસ બ્રોકર
બ્રોકર ગુલાબદાસ હરજીવનદાસ, ‘કથક’ (૨૦-૯-૧૯૦૯) : વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક. જન્મ પોરબંદરમાં. મુંબઈની ન્યુ ભરડા સ્કૂલમાંથી ૧૯૨૬માં મૅટ્રિક. ૧૯૩૦માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૩ થી ૧૯૪૬ સુધી મુંબઈ શૅરબજારમાં બ્રોકર તરીકે કામ કર્યું. ૧૯૪૦ થી પી.ઈ.એન.ના સભ્ય. ૧૯૫૮-૧૯૬૦ દરમિયાન તેના માનદ મંત્રી ખજાનચી, ૧૯૮૧માં સ્વૈચ્છિક નિવૃત્તિ. ૧૯૫૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીમાં ગુજરાતીના સલાહકાર મંડળમાં. ૧૯૮૩થી તેની કારોબારીના સભ્ય. પી.ઈ.એન.ના ફ્રાન્કફુર્ટ (જર્મની) અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ. ૧૯૬૨માં અમેરિકન સરકારના નિમંત્રણ સ્ટડી મિશન્સ ઇન્ટરનેશનલમાં અમેરિકા ગયા. ૧૯૬૩માં જર્મન સરકાર (પશ્ચિમ)ના નિમંત્રણથી ત્યાં ગયા. ૧૯૬૮નો કુમારચંદ્રક પ્રાપ્ત. ૧૯૭૪-૭૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
એમની ‘લતા શું બોલે ?’ વાર્તાએ વિષય અને રીતિની દ્રષ્ટિએ અનોખી ભાત પાડી તેથી એમની પ્રતિષ્ઠા થઈ. ‘લતા અને બીજી વાતો’ (૧૯૩૮), ‘વસુંધરા અને બીજી વાતો’ (૧૯૪૧), ‘ઊભી વાટે’ (૧૯૪૪), ‘સૂર્યા’ (૧૯૫૦), ‘માણસનાં મન’ (૧૯૬૨), ‘બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૫૭), ‘ભીતરનાં જીવન’ (૧૯૬૭) અને ‘પ્રેમ પદારથ’ (૧૯૭૪) એમના વાર્તાસંગ્રહો છે. એમની ‘ગુલામદીન ગાડીવાળો’, ‘નીલીનું ભૂત’, ‘સુરભિ’, ‘બા’, ‘પ્રેમ પદારથ’ વગેરે વાર્તાઓ શ્રેષ્ઠ કલાત્મક અભિવ્યક્તિ તેમ જ જીવનકાર્યને લીધે નોંધપાત્ર બની છે. એમાં એમની કલાત્મક વાર્તાપ્રવિધિઓ દેખાઈ આવે છે. મનોવલણોનું આલેખન એમની વાર્તાઓની વિશિષ્ટતા છે. ‘પુણ્ય પરવાર્યું નથી’ (૧૯૫૨), ‘હરિનો મારગ’ સત્યકથાઓનાં સંગ્રહો છે. વાસ્તવિકતાની ભોંયની સાચવણીમાં કલા પાંગરી નથી એ તેમાં દેખાઈ આવે છે. ‘અમૃતદીક્ષા’ (૧૯૭૬)માંનાં જીવનચરિત્રોની પણ એ જ દશા છે. ‘સ્મરણોનો દેશ’ (૧૯૮૭)માં બીજાં અનેક વ્યક્તિચિત્રો છે.
એમની વાર્તાકલામાં સંવાદો ચિત્તાકર્ષક સિદ્ધ થયા હોઈ, એમણે નાટ્યક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે. પણ બહુધા નાટકમાં પાત્રો નાટકકારનાં પૂતળાં જેવાં લાગે છે. જોકે એકાંકીઓ પ્રમાણમાં સફળ છે. ‘ધૂમ્રસેર’ (૧૯૪૮) અને ‘મનમાં ભૂત’ (૧૯૬૪) જેવાં નાટકોની તુલનામાં ‘મા’ અને ‘મહાનિબંધ’ તેમ જ ‘જવલંત અગ્નિ’ જેવાં એકાંકીઓ વિશેષ ગુણવત્તા દાખવે છે. ‘જવલંત અગ્નિ’ (૧૯૧૬), ‘બ્રોકરના પ્રતિનિધિ એકાંકી’ (૧૯૭૩) એમના એકાંકીસંગ્રહો છે.
‘વસન્તે’ (૧૯૬૪) એમનો કાવ્યસંગ્રહ છે. એમનું પ્રવાસપુસ્તક ‘નવા ગગનની નીચે’ (૧૯૭૦) રોચક શૈલીમાં સરસ ભાત પાડે છે. ‘રૂપસૃષ્ટિમાં’ (૧૯૬૨) અને ‘સાહિત્ય-તત્વ અને તંત્ર’ (૧૯૭૭) સાહિત્યસિદ્ધાંતનાં-વિવેચનનાં પુસ્તકો છે. તેમાં એમની સરળ કલાસૂઝનો પરિચય થાય છે. કૃતિવિવેચનમાં એમની સાહિત્યકલાની સમજણ વ્યક્ત થાય છે. ‘અભિવ્યક્તિ’ (૧૯૬૫), ‘નર્મદ’ (૧૯૭૬) વગેરે એમના અન્ય વિવેચનગ્રંથો છે. ‘ગુજરાતના એકાંકી’ (૧૯૫૮), ‘આપણી શ્રેષ્ઠ નવલિકાઓ’ (૧૯૪૮), ‘કાવ્યસુષમા’ (અન્ય સાથે, ૧૯૬૭), ‘વાઙમયવિહાર’ (અન્ય સાથે, ૧૯૬૧) વગેરે એમનાં સંપાદનો છે; તો ‘બિચારાં સુનંદાબહેન’ (૧૯૫૪), ‘ભૂતાવળ’ (૧૯૬૦), ‘વિચ્છેદ’ (૧૯૬૭), ‘કથાભારતી’ વગેરે એમનાં રૂપાંતર-અનુવાદનાં પુસ્તકો છે.
-અમૃતલાલ યાજ્ઞિક
ગુલામદીન ગાડીવાળો : ગુલાબદાસ બ્રોકરની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. એમાં ‘એ મોજડી મારા પગમાં બેસતી નથી’ એટલા ગણિત પરથી ગાડીવાળો ગુલામદીન પ્રિયતમા આયેશાને અન્ય સાથે વાતચીત કતરી જોઈ જવાને કારણે તલ્લાક આપે છે એની દર્દકથા છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે.